📚 શાળાઓ શરૂ, પણ પુસ્તકો ગાયબ!
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ હજુ પાઠ્યપુસ્તકોની રાહમાં, શિક્ષણ વિભાગ સામે ગંભીર સવાલો
- ગાંધીનગર, તા. 18 જૂન ગુજરાતમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 10 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓ હજુ પણ પાઠ્યપુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે. એક તરફ શિક્ષણમાં ગુણવત્તા અને નવી શિક્ષણ નીતિના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ સુધી મૂળભૂત જરૂરિયાત એવા પાઠ્યપુસ્તકો જ સમયસર પહોંચ્યા નથી. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે પાઠ્યપુસ્તકોના વિતરણમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યના કુલ 208 વિતરણ રૂટ પૈકી માત્ર 15 રૂટ પર જ પુસ્તકો પહોંચ્યા છે, જ્યારે 400થી વધુ વિતરણ કેન્દ્રો પર હજુ સુધી પુસ્તકો ઉપલબ્ધ નથી. ખાસ કરીને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું કહેવાય છે. નવા અભ્યાસક્રમ અને નવા વિષયો વચ્ચે વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ માટે જરૂરી પુસ્તકો જ ન હોવાથી શિક્ષણકાર્ય પર સીધી અસર પડી રહી છે. વિપક્ષે વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવતા દાવો કર્યો છે કે સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા કેટલાક પાઠ્યપુસ્તકોનું છાપકામ પણ હજુ પૂર્ણ થયું નથી. જો આ હકીકત હોય તો શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ ન થવા પાછળ જવાબદાર કોણ છે તે મોટો સવાલ બની રહ્યો છે. વિપક્ષના આક્ષેપ મુજબ બજારમાં વેચાણ માટેના પુસ્તકો સમયસર ઉપલબ્ધ થઈ ગયા છે, જ્યારે ગરીબ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેના નિઃશુલ્ક પુસ્તકો હજુ સુધી પહોંચ્યા નથી. જેના કારણે શિક્ષણ વ્યવસ્થાની કાર્યક્ષમતા અને પ્રાથમિકતાઓ સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં પાઠ્યપુસ્તકોનું આયોજન અને વિતરણ પૂર્ણ થતું હોય છે. ત્યારે આ વર્ષે વિલંબ પાછળ આયોજનની ખામી, છાપકામમાં મોડું કામ કે વિતરણ વ્યવસ્થાની નિષ્ફળતા જવાબદાર છે તે અંગે સરકાર તરફથી હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિપક્ષે સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે યુદ્ધના ધોરણે પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. શિક્ષણવિદોનું માનવું છે કે શૈક્ષણિક વર્ષની શરૂઆતના દિવસો વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને આવા સમયે પુસ્તકો ન મળવાથી અભ્યાસની ગતિ ધીમી પડી શકે છે, જેની અસર આખા વર્ષના પરિણામો પર પડી શકે છે.







