હોટલના રૂમમાં મોતનો ખેલ! દંપતીએ ગટગટાવી ઝેરી દવા, પત્નીનું કરૂણ મોત; પતિ ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાપા સીતારામ ચોક નજીક આવેલા સીમાડા સિલ્વર બિઝનેસ હબ સ્થિત લા મરીના હોટેલના રૂમમાં રોકાયેલા દંપતીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પત્નીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે પતિ હાલ હોસ્પિટલના ICUમાં જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, હોટલના રૂમમાં રોકાયેલા દંપતીએ કોઈ અજાણ્યા કારણોસર સજોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બંનેની હાલત બગડતા હોટલ સ્ટાફ દોડતો થયો હતો અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જોકે, સારવાર મળે તે પહેલાં જ મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો હોટલ પર પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળને કબજામાં લઈ રૂમ સીલ કરી દીધો છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેણે રૂમમાંથી ઝેરી પદાર્થના નમૂનાઓ, ગ્લાસ સહિતની વસ્તુઓ તપાસ માટે કબજે લીધી હતી.
પ્રાથમિક તપાસમાં દંપતીએ આટલું મોટું પગલું કયા કારણોસર ભર્યું તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે હોટલના CCTV ફૂટેજ, એન્ટ્રી રજિસ્ટર અને દંપતીની ઓળખ સંબંધિત વિગતોની તપાસ શરૂ કરી છે. સાથે જ તેમના પરિવારજનોનો સંપર્ક સાધવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.
પોલીસનું માનવું છે કે પારિવારિક વિવાદ, માનસિક તણાવ અથવા આર્થિક સંકટ જેવા કોઈ ગંભીર કારણો આ ઘટનાની પાછળ જવાબદાર હોઈ શકે છે. જોકે, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો પતિ ભાનમાં આવ્યા બાદ જ સમગ્ર ઘટનાનો સાચો ભેદ ખુલવાની શક્યતા છે.
સરથાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાએ સુરત શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં અનેક સવાલો ઉભા કર્યા છે.







