આયાત ડ્યુટી વધતા સોનું-ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ગ્રાહકો પર વધશે ભાર
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા સોનું અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવતા બુલિયન બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આયાત ડ્યુટી 6 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવતા સોના અને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રેકોર્ડ વધારો નોંધાયો છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 11 હજારથી વધુનો વધારો થતાં ભાવ રૂ. 1.64 લાખની સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 22 હજારથી વધુનો ઉછાળો નોંધાતા ભાવ રૂ. 3 લાખને પાર પહોંચી ગયા હતા.
સરકારના નિર્ણય પાછળનો મુખ્ય હેતુ આયાતમાં ઘટાડો લાવવાનો, વેપાર ખાધને નિયંત્રણમાં રાખવાનો અને વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ ઘટાડવાનો હોવાનું માનવામાં આવે છે. નવા નિયમો મુજબ હવે સોનું અને ચાંદીની આયાત પર કુલ 15 ટકા ટેક્સ લાગુ પડશે.
આ નિર્ણયની સીધી અસર ઘરેણાં બજાર પર જોવા મળશે. લગ્નસરા અને તહેવારોની સિઝન નજીક આવી રહી હોવાથી ગ્રાહકોને સોનું અને ચાંદી ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જ્વેલર્સનું માનવું છે કે વધેલા ભાવોના કારણે માંગમાં થોડો ઘટાડો થઈ શકે છે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આયાત ડ્યુટીમાં થયેલા વધારાને કારણે રોકાણકારોમાં પણ ચિંતા વધી છે. જોકે આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને સ્થાનિક માંગને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં ભાવમાં થોડી સ્થિરતા આવી શકે છે.
સોના-ચાંદીના ભાવમાં આવેલા આ અચાનક ઉછાળાએ સામાન્ય ગ્રાહકોથી લઈને રોકાણકારો સુધી સૌનું ધ્યાન ખેંચ્યું છે. હવે બજારની આગામી દિશા પર સૌની નજર ટકેલી છે.







