રાજકોટમાં રવુવંશી ગૌરવ સન્માન સમારોહનું આયોજન
નવ નિયુક્ત PSI, રાજકીય હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓનું થશે ભવ્ય સન્માન
રાજકોટ, તા. ૫: રવુવંશી યુવા શક્તિ સંઘ (ગુજરાત) અને રવુવંશી સેવા સમાજ ટ્રસ્ટ (ગોંડલનગર)ના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૭ જૂન, રવિવારના રોજ રાજકોટ ખાતે ભવ્ય “રવુવંશી ગૌરવ સન્માન સમારોહ” યોજાશે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર તેમજ તાજેતરમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્ત થયેલા યુવાનો, મહિલાઓ અને આગેવાનોનું આ પ્રસંગે સન્માન કરવામાં આવશે.
સમારોહ રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ રાજકોટ એન્જિનિયરિંગ હોલ ખાતે સાંજે ૫ વાગ્યે યોજાશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રવુવંશી સમાજના યુવા વર્ગને સરકારી સેવા, સામાજિક કાર્ય અને નેતૃત્વ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરવાનો છે.
કાર્યક્રમમાં તાજેતરમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તરીકે પસંદગી પામેલા રવુવંશી સમાજના તમામ તેજસ્વી યુવાનો અને યુવતીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. ઉપરાંત વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રે નવી જવાબદારીઓ પ્રાપ્ત કરનાર આગેવાનોને પણ ગૌરવપૂર્વક સન્માનિત કરવામાં આવશે.
ભવ્ય સ્વાગત રેલીનું આયોજન
સમારોહ પૂર્વે સાંજે ૪:૩૦ વાગ્યે રાજકોટના રિંગ રોડ સ્થિત વિરાણી હાઈસ્કૂલ નજીકથી ભવ્ય સ્વાગત રેલી નીકળશે. અંદાજે એક કિલોમીટર લાંબી આ રેલીમાં ડી.જે., શાહી બગ્ગી, ખુલ્લી જીપો તેમજ ૫૧થી વધુ ફોર-વ્હીલર વાહનો જોડાશે. સમાજના મહાનુભાવોનું પુષ્પવર્ષા અને પરંપરાગત સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવશે.
અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત
સમારોહમાં પૂર્વ પોલીસ અધિક્ષક અને તાજેતરમાં નિવૃત્ત થયેલા બી.સી. કક્કડ સહિત સમાજના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકામાં વિવિધ હોદ્દાઓ પર નિયુક્ત થયેલા મહિલા કોર્પોરેટરો તેમજ વિવિધ રાજકીય સંગઠનોના હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખો, યુવા મોરચાના આગેવાનો, મહિલા નેત્રીઓ તથા સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાતભરમાંથી સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાશે.
સમાજ એકતાનો બનશે અવસર
આ ગૌરવ સન્માન સમારોહ માત્ર સન્માન કાર્યક્રમ નહીં પરંતુ સમાજની એકતા, સંગઠનશક્તિ અને યુવાનોને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ અવસર બનશે. કાર્યક્રમના અંતે સમાજના આમંત્રિત મહેમાનો અને આગેવાનો માટે વિશેષ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકોના જણાવ્યા અનુસાર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતભરના હોદ્દેદારો, કાર્યકરો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમાજના તમામ સભ્યોને ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.







