જેતપુર પોલીસની મોટી કામગીરી: વેપારીઓને પ્રેમજાળમાં ફસાવી લાખો પડાવતી હની-ટ્રેપ ગેંગની મહિલા આરોપી ઝડપાઇ
જેતપુર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ, કારખાનેદારો અને ઉદ્યોગપતિઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી, બાદમાં પોલીસ કેસની ધમકી આપીને તોડ કરતી હની-ટ્રેપ ગેંગનો જેતપુર સીટી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેતપુર સીટી પોલીસે આ ગેંગની મુખ્ય મહિલા આરોપી પ્રિયંકા ઉર્ફે પીયુ હંસરાજભાઇ ગીણોયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે મિત્રતા કેળવતી હતી. ત્યારબાદ તેમને મળવા બોલાવી, ત્યાં ગેંગના અન્ય સભ્યો ભાઈ કે પતિ બનીને આવી પહોંચતા અને ભોગ બનનારને ખોટી ઓળખ આપી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. આ કેસમાંથી બચવા માટે તેઓ તોડ કરીને નાણાંની માંગણી કરતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ટોળકીએ અગાઉ મોરબી, રાજકોટ, જેતપુર અને વાંકાનેરના અનેક વેપારીઓને પોતાની જાળમાં ફસાવી ચૂક્યા છે. આરોપી પ્રિયંકા ગીણોયા સામે જેતપુર અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે, ઉપરાંત જૂનાગઢના ભેસાણ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુનો દાખલ થયેલ છે.
જેતપુર સીટી પોલીસ મથકના પી.આઈ. એ.ડી. પરમાર અને તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપી મહિલા પ્રિયંકા ગીણોયાને દબોચી લીધી હતી. હાલ આ મહિલા આરોપીના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
જેતપુર સીટી પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, જો આ ટોળકી દ્વારા કોઈ પણ વ્યક્તિ ભોગ બન્યા હોય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા જેતપુર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.







