![]()
નારી સશક્તિકરણ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાતો ભાજપ દ્વારા કરવામાં આવે છે, પરંતુ ચૂંટાયા બાદ મહિલાઓની જગ્યાએ તેમના પતિઓ પ્રતિનિધિ બની જાય છે. આવો કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે. વેજલપુર વિધાનસભા અંતર્ગત આવતા સરખેજ વોર્ડની સંકલન સમિતિની બેઠકમાં ભાજપના નવનિયુક્ત બે મહિલા કોર્પોરેટરના બદલે તેમના ‘પતિદેવ’ હાજર રહેતા વિવાદ સર્જાયો છે. બે મહિલા કોર્પોરેટરના પતિએ બેઠકમાં હાજર રહ્યાં
મળતી માહિતી મુજબ તાજેતરમાં જ વેજલપુર વિધાનસભા અંતર્ગત આવતા સરખેજ વોર્ડની સંકલન સમિતિની બેઠક ધારાસભ્ય અમિત ઠાકરની હાજરીમાં યોજાઇ હતી. બેઠકમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે પૃથ્વીરાજસિંહ ઝાલા અને સંલગ્ન વિભાગના અધિકારીઓ તેમજ વોર્ડના ચૂંટાયેલા ચારેય કોર્પોરેટર હાજર હોય છે. મહિલા કોર્પોરેટરના પતિ અથવા અન્ય કોઈ હાજર રહેતું હોતું નથી. જોકે વોર્ડ સંકલન સમિતિની બેઠકમાં સરખેજ વોર્ડના મહિલા કોર્પોરેટર જેઠીબેન ડાંગરની જગ્યાએ તેમના પતિ છગનભાઈ ડાંગર અને હેમાબેન શાહની સાથે તેમના પતિ ચિરાગભાઈ હાજર રહ્યા હતા. ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા એક મહિનામાં જ મહિલાઓના પતિ દ્વારા CP (કોર્પોરેટર પતિ) ની પ્રથા શરૂ થઈ ગઈ છે. મહિલાઓ માત્ર નામ અને સહીં પૂરતી જ કોર્પોરેટર છે, જ્યારે અસલી સત્તા તેમના પતિઓ ભોગવી રહ્યા છે. હું થોડો સમય માટે જ હતો: કોર્પોરેટરના પતિ
સરખેજ વોર્ડના મહિલા કોર્પોરેટર હેમાબેન શાહને દિવ્ય ભાસ્કરે જ્યારે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, હું બેઠકમાં હાજર હતી. તેમના પતિ પણ બેઠકમાં હાજર રહ્યા હતા તે અંગે પ્રશ્ન કરતા તેમણે તેમના પતિ સાથે વાત કરાવી હતી. હેમાબેનના પતિ ચિરાગભાઈએ કહ્યું હતું કે, મારા પત્નીને ફોર વ્હીલર નથી આવડતી જેથી તેમને હું લઈને ગયો હતો અને બેઠકમાં હાજરી અંગે તેમણે જણાવ્યું હતું કે, હું થોડો સમય માટે જ હતો. મારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને એક રજૂઆત કરવાની હતી એટલા માટે હું ગયો હતો. ‘ધારાસભ્યની સાથે કાર્યક્રમમાં ગયા બાદ બેઠકમાં આવ્યા હતા’
જેઠીબેન ડાંગરનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમના પતિ છગનભાઈ ડાંગરે ફોન ઉપાડી અને વાત કરતા કહ્યું હતું કે, વોર્ડ સંકલન સમિતિની બેઠકમાં અમે અપેક્ષિત નહોતા, પરંતુ ધારાસભ્યની સાથે અમે કાર્યક્રમમાં ગયા હતા, ત્યારબાદ બેઠકમાં આવ્યા હતા. જેઠીબેન કામથી બહારગામ હતા. અગાઉ બેઠકમાં વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓ હાજર રહેતા હોવાનો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની બેઠકમાં કોઈ પાર્ટીના કાર્યકર્તા કે હોદ્દેદાર હાજર રહેતા હોતા નથી, પરંતુ તેઓ દ્વારા અગાઉ હાજર રહેતા હોવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે અમે પ્રથમ વખત ચૂંટાયા છીએ અને નાસ્તો કરવા બેઠા હતા. એમ કહીને વાત ફેરવી દીધી હતી. અરજદારોની ફરિયાદોના નિકાલની કામગીરી કોર્પોરેટરોના પતિ જ સંભાળે છે
સ્થાનિક સૂત્રોએ કહ્યું કે, મહિલા કોર્પોરેટરો માત્ર 50 ટકા અનામતના કારણે ચૂંટાઈને આવતા હોય છે. જોકે પ્રજાના કામો જેવા કે અરજદારોની ફરિયાદો સાંભળવી કે ફોન પર લોક પ્રશ્નોના નિકાલ લાવવા જેવી તમામ મુખ્ય કામગીરીઓ તેમના પતિદેવો જ સંભાળે છે. કોર્પોરેશનમાં કોઈપણ કામગીરી કરવાની હોય અથવા તો રજૂઆત કરવાની હોય તો તેના માટે અધિકારી સાથે સીધો સંપર્ક ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિ તરીકે કરવાનો હોય છે, પરંતુ મોટાભાગના મહિલા કોર્પોરેટરોના મોબાઈલ નંબરની જગ્યાએ તેમના પતિના મોબાઈલ નંબર પણ અધિકારીઓને આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.








