![]()
ગાંધીનગરમાં આજે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં પસંદગી પામેલા 415 યુવાનોને ખેતી મદદનીશ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિકરૂપે 21 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કર્યા હતા, જ્યારે અન્ય તમામ ઉમેદવારોને ઈ-મેઈલ મારફતે નિમણૂકપત્ર મોકલવામાં આવ્યા હતા. ખેડૂતોને નવીન કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન આપવા અનુરોધ
નવનિયુક્ત યુવાનોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ખાતરના ઓછા ઉપયોગ અંગે જાગૃત કરવાની મહત્વની જવાબદારી હવે તેમની રહેશે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે આપેલી અપીલને ખેડૂતો સુધી પહોંચાડવામાં ખેતી મદદનીશો મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રીએ યુવાનોને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, સતત પોતાને અપડેટ રાખવા અને ખેડૂતોને નવીન કૃષિ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂત દેશના વિકાસનો મહત્વનો પાયો છે અને તેની સેવા કરવી એ પણ એક રાષ્ટ્રસેવા સમાન છે. કૃષિ વિભાગમાં નોકરી નહીં પરંતુ અન્નદાતાની સેવા કરવાનો અવસર
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારની પારદર્શક ભરતી પ્રક્રિયાના કારણે યુવાનો માત્ર મેરિટના આધારે સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કૃષિ વિભાગમાં જોડાવાની તક માત્ર નોકરી નહીં પરંતુ અન્નદાતાની સેવા કરવાનો અવસર છે. જીતુભાઈ વાઘાણીએ નવા કર્મચારીઓને ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા માટે સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું હતું. તેમણે શરૂઆતના વર્ષોમાં ફિલ્ડ વર્ક દ્વારા વધુ અનુભવ મેળવવાની પણ સલાહ આપી હતી. રાજ્યભરમાં કુલ 415 યુવાનોની ખેતી મદદનીશ તરીકે પસંદગી કરવામાં આવી છે, જે કૃષિ વિભાગમાં નવા વર્કફોર્સ તરીકે જોડાઈને ખેડૂતોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.









