મુળી પોલીસ સ્ટેશનની નાયબ કલેક્ટર દ્વારા તપાસણી, કામગીરીની સમીક્ષા સાથે જરૂરી સૂચનાઓ અપાઈ
ચોટીલા, તા. 03 જૂન: ચોટીલા સબ-ડિવિઝનના નાયબ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ બુધવારે મુળી પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી હાથ ધરી હતી. તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશનની વિવિધ શાખાઓની કામગીરી, રજીસ્ટરોની જાળવણી, શસ્ત્રાગાર તેમજ લોક-અપની વિસ્તૃત ચકાસણી કરવામાં આવી હતી.
સરકારના ગૃહ વિભાગના તા. 24 ફેબ્રુઆરી, 1988ના પરિપત્ર તથા મહેસૂલ તપાસણી કમિશ્નર, ગાંધીનગરના તા. 6 એપ્રિલ, 1988ના આદેશ અનુસાર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને તેમના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશનો અને આઉટપોસ્ટોની તપાસણી કરવાની સત્તા આપવામાં આવેલી છે. તેના અનુસંધાને આ તપાસણી યોજાઈ હતી.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ પોલીસ સ્ટેશનના દરેક વિભાગની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમમાં રાખવામાં આવેલા હથિયારો અને કાર્ટૂસની રેન્ડમ ચકાસણી કરવામાં આવી હતી. લોક-અપની સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરાયું હતું.
તપાસણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા સંબંધિત કેસોની કામગીરી અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 હેઠળ પાણી વિવાદ સંબંધિત કલમ-164ના કેસો, જાહેર ઉપદ્રવ સંબંધિત કલમ-152ના કેસો તેમજ પ્રોહિબિશન કાયદા હેઠળ જામીન સંબંધિત કેસોની યોગ્ય દરખાસ્ત તૈયાર કરી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરીને મોકલવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર, મુળીને સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત હાજરી રજીસ્ટર, હિસ્ટ્રીશીટર રજીસ્ટર, સ્ટેશન ડાયરી, દેખરેખ નિયંત્રણ રજીસ્ટર, મુદ્દામાલ રજીસ્ટર, હથિયાર પરવાના રજીસ્ટર, પ્રોહિબિશન ગુના રજીસ્ટર, હિસાબી રજીસ્ટર, આવક-જાવક રજીસ્ટર, બિલ રજીસ્ટર સહિતના મહત્વપૂર્ણ રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસણીના અંતે નાયબ કલેક્ટર દ્વારા સંબંધિત પોલીસ અધિકારીઓને રેકોર્ડ જાળવણી, કાયદાકીય પ્રક્રિયાઓના પાલન અને કાયદો-વ્યવસ્થાની અસરકારક અમલવારી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.








